24 March *છોટાલાલ કાળીદાસ ત્રવાડી “છોટમ” ગુજરાતના સંતકવિ અને યોગી ૨૪ માર્ચ, ૧૮૧૨ના
llૐll
*આજનો દિન વિશેષ*
*છોટાલાલ કાળીદાસ ત્રવાડી “છોટમ” ગુજરાતના સંતકવિ અને યોગી ૨૪ માર્ચ, ૧૮૧૨ના રોજ છોટમનો જન્મ મલાતજ, તા. પેટલાદ, જિ. આણંદ માં થયો હતો.*
મધ્યકાલીન ધાર્મિક પરંપરાઓને અનુસરનાર સાઠોદરા નાગર જ્ઞાતિના હતા. તેમણે તલાટી તરીકે નોકરી કરીને વિધવા માતા, ત્રણ નાના ભાઈઓ તથા બાળવિધવા બહેનની જવાબદારી સંભાળેલી. છોટમમાં બાળપણથી જ ધર્મભાવના અને ભક્તિના સંસ્કારો દૃઢ થયેલા હતા. તલાટીની નોકરી છોડી છોટમ નર્મદાકાંઠે શ્રી પુરુષોત્તમ સિદ્ધયોગીનો સત્સંગ કરવા ગયા. આ સિદ્ધયોગીએ છોટમના સંશયો દૂર કરીને તેમના પૂર્વજન્મના સંસ્કારોને જાગૃત કર્યા. યોગસાધના કરી છોટમ બ્રહ્મનિષ્ઠ મહાત્મા બન્યા. જ્ઞાન, કર્મ અને ભક્તિની ઉપાસના દ્વારા વેદધર્મનું પ્રતિપાદન કરતી કાવ્યરચનાઓનું સર્જન શરૂ કર્યું. છોટમે પચાવેલ વેદાંત, ધર્મ અને તત્ત્વજ્ઞાન ભાવકના હૃદયમાં સોંસરું ઊતરી જાય તે પ્રકારનું નિરૂપણ તેમની રચનાઓમાં સહજપણે આવતું ગયું. તેમણે લગભગ ચારસો જેટલાં પદો, પાંત્રીસ જેટલાં ખંડકાવ્યો અને વીસ જેટલાં બોધપ્રધાન આખ્યાનોની રચના કરી. એથી “છોટમ' સંતકવિ તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધિ પામ્યા. તેમની વૈવિધ્યસભર રચનાઓ વિવિધ વૃત્તોમાં – પદ્યમાં છે. તેમણે વ્રજભાષામાં પણ રચનાઓ કરી છે. તેમના ઉપદેશાત્મક પદો ચરોતરથી શરૂ કરીને સૌરાષ્ટ્ર સુધી લોકકંઠે ગવાતાં હતાં.
કવિ છોટમે પ્રજાને ધર્મના સડાથી દૂર રાખવાનું કવિકર્મ, તેમના જ્ઞાનકાવ્યો, આખ્યાનો અને પદો દ્વારા કર્યું. “કપિલગીતા’, ‘શિવસ્વરોદય', “બોધચિંતામણિ', “ગુરુમહિમા', “બોધબાવની', હંસ ઉપનિષદ સાર' વગેરે જેવા જ્ઞાનોપદેશક કાવ્યો છોટમનો અમૂલ્ય વારસો છે. એ ઉપરાંત પ્રશ્ન-ઉપનિષદસાર', ‘યોગસાગર', “ઉદ્ધવગીતા' વગેરે નોંધપાત્ર છે. તેમણે વીસ જેટલાં આખ્યાનો રચ્યાં હતાં. જેમ કે, “વંશપાળ-આખ્યાન', “માનસિંહ-આખ્યાન', ‘ચિત્રભાનુઆખ્યાન', ‘મદાલસા-આખ્યાન' વગેરે. તેમણે ચારસો જેટલાં પદોની રચના કરી છે.
છોટમની રચનાઓ એ સમયના અનેક સામયિકોમાં પ્રકાશિત થતી, તેમના કેટલાંક ખંડકાવ્યોના નાના નાના સંગ્રહો પ્રકાશિત થયા હતા. વ્રજલાલ શાસ્ત્રીએ છોટમની કેટલીક રચનાઓ પ્રગટ કરી હતી. કવિ છોટમની “કીર્તનમાળા’ની અનેક આવૃત્તિઓ પ્રકાશિત થઈ હતી. “શ્રી છોટમ જ્ઞાનોદય' માસિકમાં છોટમનું સાહિત્ય પ્રગટ થવા લાગ્યું. ભિક્ષુક અખંડાનંદે છોટમની અનેક રચનાઓ “છોટમની વાણી’ ગ્રંથ ૧-૩ (૧૯૨૬-૧૯૨૯) નામે પ્રગટ કરેલી જે ખૂબ લોકપ્રિય નીવડેલી.
કવિ છોટમની સર્જનપ્રક્રિયા ૧૮૪૯થી શરૂ થયેલી. જે ૧૯૫૯થી ૧૮૭૭ સુધી પૂરબહારમાં ખીલી હતી. એક સાચા મુમુક્ષુ કવિ છોટમમાં જ્ઞાનની ઉત્કટ અભિલાષા, ભક્તિની મહત્તા તેમજ પૂર્ણ ગુરુ માટેની આર્તતા તેમના સર્જનમાં નિરૂપાઈ છે. ધર્મનિષ્ઠા સાથે સમાજોદ્ધારક છોટમ લોકપ્રિય સંતકવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા.
૫ નવેમ્બર, ૧૮૮૫ના રોજ આ યોગી અને સંતકવિ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા.
.....................................
Comments
Post a Comment